ટેટોડા ગામની સીમમાં એલસીબીની મોટી કાર્યવાહી : સ્વીફ્ટ કારમાંથી રૂ.૫.૯૫ લાખનો વિદેશી દારૂ ઝડપાયો
ગઈ કાલે બનાસકાંઠા જિલ્લામાં દારૂબંધી કાયદાના કડક અમલ માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે અંતર્ગત ટેટોડા ગામની સીમમાં એલસીબી પાલનપુરની ટીમે એક મારૂતિ સ્વીફ્ટ કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયર ટીન સહિત કુલ રૂ.૫,૯૫,૦૩૨/-નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જોકે ગાડીનો ચાલક પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ શ્રી પરીક્ષિતા રાઠોડ (IPS), પોલીસ મહાનિરીક્ષક, બનાસકાંઠા રેન્જ પાલનપુર તથા શ્રી પ્રશાંત સુંબે (IPS), પોલીસ અધિક્ષક બનાસકાંઠાના માર્ગદર્શન હેઠળ સરહદી વિસ્તારમાં રાજસ્થાન તરફથી થતી ગેરકાયદેસર દારૂની હેરાફેરી અટકાવવા વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે એલસીબી પાલનપુરના PI શ્રી ડી.એમ. રાઠોડના નેતૃત્વ હેઠળ અલગ-અલગ ટીમો બનાવી દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે જીરો ટોલરન્સ નીતિ મુજબ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
આ દરમિયાન એલસીબી ટીમના ASI પ્રધાનજી તથા હેડ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે બ્લ્યુ કલરની મારૂતિ સ્વીફ્ટ કાર નંબર GJ-08-CS-5973 માં મોટી માત્રામાં વિદેશી દારૂ ભરી ધનાવાડાથી ટેટોડા તરફ આવનાર છે. બાતમીના આધારે પોલીસ ટીમે ટેટોડા-ધનાવાડા રોડ ઉપર નાકાબંધી ગોઠવી હતી.
થોડા સમય બાદ શંકાસ્પદ સ્વીફ્ટ કાર આવતાં પોલીસે તેને ઉભી રાખવાનો ઈશારો કર્યો હતો. પરંતુ ચાલકે ગાડી ઉભી રાખવાને બદલે યુ-ટર્ન મારી ધનાવાડા તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તાત્કાલિક પીછો કરતાં થોડે દૂર જઈ ચાલક સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવી બેઠો હતો અને ગાડી રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. ત્યારબાદ ચાલક અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો.
પોલીસે ગાડીની તપાસ કરતાં અંદરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયર ટીન મળી કુલ નંગ-૧૦૯૨ કિંમત રૂ.૨,૯૫,૦૩૨/-નો મુદ્દામાલ મળી આવ્યો હતો. ઉપરાંત સ્વીફ્ટ કાર કિંમત રૂ.૩ લાખ મળી કુલ રૂ.૫,૯૫,૦૩૨/-નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો.
આ મામલે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નં.૧૧૧૯૫૦૧૯૨૬૦૬૮૪/૨૦૨૬ હેઠળ પ્રોહિબીશન એક્ટની કલમ ૬૫(ઈ), ૧૧૬(૨), ૯૮(૨) મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કાર્યવાહીમાં જોડાયેલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ :
PI ડી.એમ. રાઠોડ, PSI આર.બી. જાડેજા, PSI જે.એસ. ગઢવી, ASI પ્રધાનજી ધારશીજી સહિત એલસીબી પાલનપુરની ટીમે સફળ કામગીરી પાર પાડી હતી.
રીપોર્ટ બાય વાવની મહેક ન્યુઝ નેટવર્ક વાવ
વાવ થરાદ







